સ્ત્રીવાદ કે સમાનતા ?

854365-triple-talaq-motif

છૂટાછેડા, ડિવોર્સ, તલાક, સેપરેશન આ બધા એવા શબ્દો છે જેને આપણો સમાજ આસાનીથી પચાવી શકતો નથી. ખાસ કરીને પુરુષોના પ્રભુત્વવાળી માનસિકતાથી આપણે હજુ સુધી એ હદે પીડાઈએ છે કે ઘણા ઘરો કે જ્ઞાતિઓમાં પુરૂષોને પહેલા જમાડવાની (કુ)પ્રથા હજુ ચાલુ રાખવામા આવી છે. એમાં પણ ખાસ જે બાબતોમાં પુરુષોનો ડાયનાસોર જેવડો મોટો ઘમંડ ઘવાઈ જતો હોય ત્યાં એમને યોગ્યતા વિનાનું આધિપત્ય સોપી દેવામાં આવ્યું છે, જેમ કે હમણાં દેશમાં સૌથી વધુ ચર્ચિત એવા કિસ્સાઓમાનું એક એટ્લે ટ્રિપલ તલાક. કોઈપણ મુસ્લિમ પુરુષ પોતાની પત્નીને ત્રણ વાર લેખિત, શાબ્દિક અથવા હાલના તબક્કે ઇમેઈલ કે વ્હોટ્સએપ દ્વારા તલાક, તલાક, તલાક કહી દે એટ્લે પત્યુ, એ ભઈના છૂટાછેડા મુસ્લિમ લો પ્રમાણે  થઈ ગયા ગણાય. સ્વાભાવિક રીતે જ આમાં પત્નીની મંજૂરી કે સહમતીની જરૂરિયાત બિલકુલ જ જણાતી નહોતી. આવા તુઘલકી કાયદાને હટાવવા ૨૦૧૭માં સરકારે ‘ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન બિલ’ રજૂ કર્યું જેના થકી ત્રણ વાર તલાક બોલીને કોઈપણ મુસ્લિમ સ્ત્રીને આપેલા છૂટાછેડા માન્ય નહી ગણાય. આ ઉપરાંત ફરિયાદી સ્ત્રીને સાંભળ્યા બાદ તત્કાળ આરોપીની ધરપકડ તેમજ સમાધાન ના થાય તો ત્રણ વર્ષ સુધીની જેલની પણ જોગવાઈ છે. લોકસભામાં બિલ આસાનીથી પાસ થયું અને રાજ્યસભામાં વિપક્ષોની ખાસ્સી દલીલબાજી બાદ પાસ થયું પરંતુ આ બિલનું પાસ થવું એ ફક્ત કોઈ મુસ્લિમ સ્ત્રી માટે જ નહીં પરંતુ ભારતીય તરીકે સૌએ ગર્વ અનુભવવા જેવી બાબત છે.

ટ્રિપલ તલાકના મુદ્દાને અત્યારે બાજુ પર રાખીએ તો પણ આ એ જ ભારત છે જ્યાં સ્ત્રીને લક્ષ્મી અને સરસ્વતીના દરજ્જા આપી પુજા કરાય છે અને આ એ જ ભારત છે જ્યાં કૂખમાં દીકરી છે એની જાણ થતાં એનું ગર્ભમાં જ ખૂન કરી નાખવામાં આવે છે. વિદેશથી એકલા ભારત ફરવા આવતી મહિલાઓને કેમ ચેતવવામાં આવે છે કે ભારતીય પુરુષોની ભુખાળવી નજારોથી સાવધ રહેજો!! કેમ સ્ત્રી સાક્ષરતાનો દર પુરુષોની સરખામણીમાં નીચો છે? કેમ વારે વારે ખાપ પંચાયતો દ્વારા છોકરીઓએ જીન્સ ના પહેરવા અને મોબાઈલ નહીં વાપરવા જેવા વાહિયાત ફતવાઓ બહાર પાડવામાં આવે છે?? પુરુષોને પોતાની આદતો સુધારવાનું કહેવાની જગ્યાએ સ્ત્રીઓ પર પાબંધી લગાવીને શું સાબિત થાય છે? ભારત જેવા દેશમાં જાતિય સમાનતાની વાત કરવી જ ઠીક નથી, ફેમિનીઝમ(નારીવાદ, સ્ત્રીવાદ) ને એટલું વગોવવામાં આવ્યું છે કે એ હવે હાસ્યાસ્પદ શબ્દપ્રયોગ બની ગયો છે.

ભારતમાં જાતિગત સમાનતા અને ફેમિનીઝમના બંને છેડાઓ એકબીજાથી તદ્દન વિપરીત દિશામાં દોડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારો અથવા શૈક્ષણિક રીતે પછાત વર્ગો જ્યાં સ્ત્રીએ બાળપણથી જ પુરુષનું આધિપત્ય સ્વીકારી લીધું છે ત્યાં કોઈ પણ પ્રકારના ફેરફાર લાવવા હજુ ખાસ્સા વર્ષો લાગી જશે તો બીજી બાજુ મેટ્રો શહેરો અને એલિટ વર્ગના લોકોમાં સ્ત્રીઓ કાનૂની અને સામાજિક રીતે એટલી બધી સજાગ થઈ ચૂકી છે કે ઘણીવાર સ્ત્રી સુરક્ષાના કાયદાઓને નિર્દોષ પુરૂષોને હેરાન કરવા માટે પણ ઉપયોગ કરતાં ખચકાતી નથી. આપણને આ જાણીને નવાઈ લાગશે પરંતુ ૬૦-૭૦% બળાત્કારના કિસ્સાઓમાં ઉપજાવી કાઢેલા હોય છે. આ બધી વાસ્તવિકતાઓને નજર સમક્ષ રાખીએ તો પણ એક ખાસ્સો મોટો વર્ગ જે સ્ત્રીઓને યોગ્ય રસ્તાઓ અને નિરાકરણો દ્વારા સશક્ત કરવા પૂરા હ્રદયથી પ્રયત્નો કરતો રહે છે.

-જાનકી રાવલ

Leave a comment