બુસ્ટરડોઝવાળી દેશદાઝ

images (30)

ભારતીય ફિલ્મોથી માંડીને ભારતના સામાન્ય નાગરિકની રહેણી-કરણી પર થોડું ફોકસ કરીયે એટ્લે એક વાત ઉડીને આંખે વળગે કે આપણે અધૂરી જીતમાં ખુશ થઈ જનારી પ્રજા છીએ. ભારતની ફિલ્મોનો એક સુપર ડૂપર કોમન પ્લોટ એટ્લે એક છોકરો-છોકરી પ્રેમમાં હોય અને ફેમીલી કે અન્ય કોઈને વિલન બનાવ્યા હોય, મનામણાં-રિસામણા-થોડા ઢીશૂમ-ઢીશૂમ અને પત્યુ, ઓલો ભઈ બધાને મનાવી લે અથવા ‘બાઘો’ બનીને ઉપ્સ, મતલબ ‘બાગી’ બનીને પ્રેમિકા હારે લગન કર્યે પાર કરે. આપણાં માટે આ હેપી એંડિંગ છે, નોપ બોસ.. મુખ્ય પીકચર તો હવે શરૂ થાય ને!! સાથે રહેવા લાગે ને ગાડું ચાલે તો આ બધી લપ કર્યાનો મતલબ નીકળે. પણ આપણાંમાથી મુઠ્ઠીભર લોકોને જ ‘વોટ નેક્સ્ટ’ વાળો સવાલ મુંજવતો હશે બાકી તો બધા અત્યારે તો પત્યુ ને વાળી લાઇનમાં આવે. આવી માનસીકતામાં તકલીફ એ પડે કે માઇલસ્ટોનને મંજિલ સમજીને સફેદની જગ્યાએ લીલી જંડી ફરકાવી દેવામાં આવે છે.

સોશિયલ મીડિયા અત્યારે એવું ખતરનાક ‘હથિયાર’ બની ગયું છે કે તમે ધારો એને પળવારમાં હીરો કે ઝીરો બનાવી શકો છો. એમાં જો કોઈ ફોટો કે વિડીયો વાઇરલ થયો મતલબ બધા જ ફેસબુકીયા એનાલિસ્ટો લસણ, ડુંગળી, હિંગ બધુ જ ખાઈને એની અઘરામા અઘરી છણાવટ રજૂ કરી કરવામાં લાગી પડશે. છેલ્લા બે-ત્રણ દિવસથી કાશ્મીરના જવાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થીય રહ્યો છે, એ જવાન રસ્તાની બરાબર વચ્ચે ખુરશી રાખી હાથમાં ઓટોમેટિક બંદૂક લઈને બેઠો છે અને પાછળ બ્લરમાં ટોળું દેખાઈ રહ્યું છે. આ ફોટો જોતાવેંત જ આપણી છપ્પનની છાતી એકસો છપ્પનની થઈ ગઈ હોય એમ બધા સ્ટેટસ અને પોસ્ટમાં હરખના હિલોળાં લેવા માંડ્યા કે ‘જોયું આમ હોય, છે ને સિંહ જેવો, આપણો ભારતીય જવાન, જરાય બીક છે!!’ આવા બધા વાક્યો સાંભળીને ઘડીભર તો આપણને પણ હા મૌજ હા લખવાનું મન થઈ આવે પણ મૂળ મુદ્દો અહિયાં એ છે કે આપણે એ ફોટો પાછળનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો!! ૧૧૦% આ ફોટો ગર્વ લેવા જેવી જ બાબત છે પરંતુ સ્થળ, સમય અને ત્યારની હકીકત પણ એટલો જ ભાગ ભજવે છે,

તો ફોટા પાછળની સ્ટોરી કાઇંક આવી છે કે ૨જી ઓગસ્ટના કાશ્મીરના શોંપિયા વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે એઁકાઉન્ટર ચાલી રહ્યું હતું, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપનો એ જવાન મૂળ એઁકાઉન્ટર સાઇટથી થોડે દૂર નાકાબંધી આગળ ખુરશીમાં બેઠેલો હતો જે સ્થાનિક પ્રદર્શંકારીઓને બંદૂક દેખાડી મૂળ એઁકાઉન્ટર સાઇટ તરફ જતાં રોકી રહ્યો છે. આ હકીકત જાણ્યા પછી પણ એ જવાનનું મહત્વ કઈ ઓછું નથી થઈ જતું, એ પૂરી નિષ્ઠા સાથે દેશસેવાનું અમુલ્ય કામ કરી જ રહ્યો છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે જે જિંદગીમાં છેલ્લે ક્યારે ક્રિકેટ રમ્યા હતા એ પોતાને પણ યાદ ના હોય એવા લોકો જ કોહલીના ફોર્મ કે બૂમરાહની બોલિંગ વિષે ભરી ભરીને જ્ઞાન પીરસતા જોવા મળે, વિદેશનીતિ કે કૂટનીતિમાં ઉંધા એકડાની ખબર ના પડતી હોય એ બધા જ શૂરા થઈને પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી દેવાના બણગાં ફૂકતા હોય, બસ એ જ પ્રમાણે આ જવાનનો આવો ફોટો જોઈ ભારતના જુવાનિયાવને જોમ ચડી ગયું છે. ઝટ ૩૫એની કલમ હટાવી લો, અમેરિકાને પછાડી દો, ચીન સાથે વેપાર બંધ કરી દો, પાકિસ્તાનને ઘમરોળી નાખો… વગેરાહ વગેરાહ બોલીને આપણે બસ આત્મસંતોષ મેળવીએ ત્યાં સુધી કાઇં જ વાંધો નથી પણ ઓટલા પરિષદમાં જેમ બીના સાર પેર કી બાતો નો દોર ચાલતો હોય આપણે પણ મચી પાડીએ કે હું સરકારની જગ્યાએ હોંઉ તો આમ કરી નાખું ને તેમ કરી નાખું એ પછી ડાઈજેસ્ટેબલ ના લાગે.

આપણે ઘડીના છટ્ઠા ભાગમાં યુદ્ધ શરૂ કરી શકીએ એવી સેના અને બળ ધરાવીએ છે એનો મતલબ એ નથી કે આપણે એ રસ્તો જ અખ્તિયાર કરવો. ૭૦ વર્ષે ઢબી ઢબીને માંડ પ્રગતિના પંથે આગળ વધી રહેલા ભારત દેશને અત્યારે કોઈ પણ દેશ(ઇન્ક્લુડિંગ પાકિસ્તાન) સાથે યુદ્ધ પોસાય એમ જ નથી. ભારત જો હવે યુદ્ધના કારણે ૫૦ વર્ષ પાછળ ધકેલાય તો એમાંથી બહાર નીકળતા બીજા ૧૦૦ વર્ષ જોય જાઈએ કેમ કે આપણે જાપાન નથી, અને નથી આપણી પ્રજામાં જર્મન લોકો જેવી ખુમારી. જે લોકોને પૂર આવે તો પણ પેશાબ થઈ જાતો હોય ત્યાં યુદ્ધની વાતો જ હાસ્યાસ્પદ લાગે. યુદ્ધની આફ્ટર ઇફેક્ટ કોને કહેવાય એ હિરોશીમાં અને નાગાસાકીના લોકોથી વધુ કોઈ ના જાણતું હોય, આર્થિક ખાનાખરાબી તો ખરી જ પરંતુ કોઈ પોતિકાને મરતા જોવા અથવા પોતાનું અંગ કપાવવું પડે એ પછીનો ઈમોશનલ ટ્રોમા અત્યંત દયનીય હાલત કરી નાખે છે.

સરકારના પ્રગતિશીલ કામોમાં ચોક્કસ ગર્વ લેવો અને બને તેટલું તેમાં સહભાગી બનવું પણ દેશભક્તિ છે, સાચી આવક દેખાડી ઇન્કમટેક્સ ટાઈમ પર ભરી દેવો એ પણ દેશદાઝ જ છે, જી.એસ.ટીના ખોટા બિલ બનાવ્યા વિના ધંધો કરવો એ પણ દેશસેવા જ છે… આવા અઢળક કાર્યોનું લિસ્ટ બને એમ છે જેના થકી  દેશના વિકાસમાં તમે પૂરતું યોગદાન આપી શકો બાકી જેને ૧૫મી ઓગસ્ટે અને ૨૬મી જાન્યુઆરીએ જ દેશભક્તિ ઉભરાતી હોય અને બાકીના ૩૬૩ દિવસમાં છાપું પણ ના વાંચતાં હોય એ બસ વધુમાં વધુ દારૂ-સીગરેટ-તમાકુનું સેવન કરી ઉતાવળે પૃથ્વીનો ભાર ઓછો કરે એવી નમ્ર અપીલ.

છમ્મવડું – દેશભકતો અને દેશદાઝ અત્યારે ટ્રેંડીંગ છે, વટાવતા આવડવું જોઇયે બસ…!!

-જાનકી રાવલ

Leave a comment