ચંદ્રાયાનની સ્ત્રી સારથિ

chandrayaan-2-women-scientists

ભારતીય સમાજમાં ઠસાઈ ગયેલી સ્ત્રી વિષેની માન્યતાઓ મુજબ એક એવી છે કે સ્ત્રી રસોડામાં જ શોભે અને ફક્ત અહિયાં જ નહીં રૂઢિચુસ્ત બ્રિટિશ ભૂભાગમાં પણ ઘણા લોકો આવી પછાત માનસિકતાથી પીડાય છે, કોઈ ઓર્થોડોક્સ પરિવારમાં ત્યાની સ્ત્રીઓ પોતાના મંતવ્યો રજૂ કરવા જાય એટ્લે તેને એક ટીપીકલ જવાબ સાથે વધાવી લેવામાં આવે અને એ છે, ‘મેક મી એ સેન્ડવિચ’,(મને એક સેન્ડવિચ બનાવી આપ.) આ વાકયના પ્રયોગ દ્વારા એને યાદ અપાવવામાં આવે છે કે એની જગ્યા ફક્ત ઘરના કિચનમાં જ છે અને અન્ય વાતોમાં એને માથું ના મારવું. હવે હું તમને એમ કહું કે હું બે એવી ‘ભારતીય’ સ્ત્રીઓને ઓળખું છુ જે આ વાકયના જવાબમાં કહી શકે કે મે હમણાં જ રોકેટ ચંદ્ર પર મોકલ્યું છે એ પાછું આવી જાય પછી સેન્ડવિચ બનાવી આપું, તો!!

ભારત જેવા દેશમાં જ્યાં છોકરીઓનો બહોળો વર્ગ પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ પૂરું નથી કરી શક્તી એવામાં આ બંને સ્ત્રીઓએ આપણું માથું ગર્વથી ઊંચું કર્યું છે. ૧૨જૂને ઇસરોના ચેરમેન કે.શિવને યોજેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે ૧૫ જુલાઇએ રાત્રે ૨.૧૫ એ ચંદ્રયાન-૨ને લોન્ચ કરવામાં આવશે જે અંદાજિત ૬ સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર લેન્ડ થશે. આ સાથે તેમણે ગર્વપૂર્વક જણાવ્યુ કે આ મિશન પર કામ કરતાં લોકોમાં ૩૦% જેટલી મહિલાઓ છે. એ ૩૦% મહિલાઓમાં આ બે અહિલાઓ મુથઈયા વનિતા(પ્રોજેકટ ડિરેકટકર) અને રીતુ કરિધલ(મિશન ડિરેક્ટર) સૌથી મહત્વના એટ્લે છે કેમે કે ૧૦૦૦ કરોડના આ પ્રોજેકટમાં વનિતાજી ઉપર પ્રોજેક્ટના શરૂઆતથી અંત સુધીના એકે એક તબક્કાની જવાબદારી છે તો સામે રીતુજી ચંદ્રયાન-૨ ને લગતા તમામાં ઇનર તેમજ આઉટર કોઓર્ડિનેશનને સાંભળવાના છે. આ બંને મહિલાઓ ઇસરો સાથે બે દાયકથી પણ વધુ સમયથી જોડાયેલ છે. ચંદ્રયાન-૧ના પ્રોજેકટ ડિરેક્ટર રહી ચૂકેલા ડો. અન્નાદુરાઇ મુજબ વનિતાજી પહેલેથી જ ડેટા હેન્ડલીંગનું કામ સંભાળતા પણ તેમનામા રહેલી કાર્યશક્તિને જોતાં તેમને પ્રોજેકટ ડિરેક્ટર બનાવવા યોગ્ય હતા, ૧૮ કલાક સતત કામ કરવું એ કોઈ પણ સ્ત્રી માટે સામાજિક,માનસિક અને શારીરિક રીતે ચેલેંજિંગ થઈ પડે પરંતુ આ બંને મહિલાઓએ આ મિશન માટે ખરા અર્થમાં લોહી રેડ્યું ગણાય. રીતુ કરિધલના શબ્દોમાં સમજીએ તો માર્સ મિશન એવું છે કે ભારતમાં બેઠા બેઠા લોસ એંજેલસમાં રહેલા ગોલ્ફના હોલમાં બોલ નાખવો, ઉપરથી એવો હૉલ જે સતત ફરતો રહેતો હોય. આ સાંભળીને બે ઘડી જરુરુ હસવું આવે પણ આ લોઢાંના ચણા આ બંને મહિલાઓએ અથાગ પરિશ્રમ વડે ચાવી બતાવ્યા છે.

૨૦૧૩માં દુનિયામાં ભારતની ડંકો વગાડી દેનાર માર્સ ઓર્બિટ મિશન(મોમ)ની સફળતા સમયે ઓફિસમાં પરસ્પર ખુશ થતી મહિલાઓની તસવીર વાઇરલ થઈ ત્યારે છેક આપણને બધાને અહેસાસ થયો કે ઇસરો જેવી નામાંકિત સંસ્થામાં પણ મહિલાઓનું યોગદાન અવ્વલ દરજ્જાનું છે. આનંદ મહિન્દ્રાએ થોડા સમય પૂર્વે ટ્વિટ કરેલા એક ફોટોગ્રાફમાં મહિલા અને પુરુષના કરિયર વચ્ચેનો તફાવત બખૂબી રજૂ કરાયો હતો. પુરુષોની દોડમાં કોઈ જ હાર્ડલ્સ નહીં અને મહિલાઓની દોડમાં બાળકો,ઘરનું કામ, સામાજિક જવાબદારી જેવા અનેક હાર્ડલ્સ હતા. એ ફોટો સાંપ્રત પરિસ્થિતિમાં પ્રતિભાવાન સ્ત્રીઓની હાલત વર્ણવી જાય છે જેના પર આપણે વિચારવું જ રહ્યું.

-જાનકી રાવલ

Leave a comment