નિર્ભયા – ૨

reddy-

આજથી હું સ્વીકારું છુ કે રામ એક ક્પોળ કલ્પિત પાત્ર છે. આ દિવાળીએ દીવા પ્રગટાવવાના નાટક આપણે બંધ કરી દઈએ તો જ સારું છે. શક્ય જ નથી કે રામાયણમાં જે બન્યું છે એ જ આ દેશ છે!! એક વાર માટે ભૂલી જાઓ  ભગવાન ‘રામ’ને, હવે વાર્તા યાદ કરો, કોઈ એક નગરનો રાજા, એની પત્નીનું ફક્ત અપહરણ થાય છે, (કોઈ હજુ એને અડયું સુદ્ધાં નથી), એ સ્ત્રી પાછળ એવા લોકોની ફોજ જેને એની સાથે કોઈ જ પ્રકારે લેવા દેવા નથી, એ સ્ત્રીને મુક્ત કરવવામાં એમનો કોઈ જ અંગત સ્વાર્થ પણ નથી અને છતાં એ ફોજ લંકા દહન કરી, કોઈ જ સાધનો વિના સમુદ્ર પાર કરવાની હિમ્મત કરી, યુદ્ધ કરી એને છોડવી એના પતિને સુપરત કરે છે. વાહ, સપના જેવુ ના લાગે!!! ભારતીય પ્રજા આવી હોય એ ગળે ઉતરતું જ નથી. ગળે શું ઉતરે!! ૮ મહિનાની બાળકીનો રેપ, તરુણીઓને ઉઠાવી જઈ કલકત્તા કે મુંબઈમાં દેહવ્યાપારમાં ધકેલવી, નિર્ભયા, આસિફા, પ્રિયંકા અને ચોપડે ક્યારેય ના નોધાયેલી એવી અગણિત નિર્દોષ છોકરીઓનો બળાત્કાર, છડેચોક છેડતી, જુમ્મા-ચૂમ્મા અને અબ કરુંગા ગંદી બાત જેવા વાહિયાત ગીતો ટોપ ટ્રેન્ડમાં હોવા, ભારત દેશની હકીકત આ છે….. રામાયણ નહીં…. પરસ્ત્રીની આબરૂની રક્ષા માટે આટલી લડત આપતી પ્રજાના હાથમાં આ મશાલને બદલે મીણબત્તિ કોણે પકડાવી !!

પ્રિયંકાના બળાત્કાર બાદ તેને સળગાવી દેવાના જઘન્ય કૃત્ય બાદ દેશમાં ફરી બધાને ક્રોધના ઘોડાપૂર આવ્યા છે. આવવા જ જોઇયે, આપણાં બધાના ઘરમાં બહેન દીકરીઓ છે, ગઇકાલે નિર્ભયા કે પ્રિયંકા હતી, આજે આપણાં ઘરમાંથી પણ કોઈ હોય શકે છે. નિર્ભયા કેસ ૨૦૧૨, શક્તિ મિલ્સ ગેંગ રેપ ૨૦૧૩, શું આરપીઓને ફાંસી મળી ગઈ? ના, કોઈ ક્રૂર સજા? ના. એ લોકો બિન્દાસ થઈને જેલના રોટલા તોડે છે. આથી પણ ભયાનક માહિતી એ છે કે ટોપ ટેનમાં આવતી પોર્ન સાઇટ્સમાની એક વેબસાઇટમાં 8 મિલિયન (૮૦ લાખ) લોકોએ પ્રિયંકા રેડ્ડી નામ સર્ચ કર્યું છે. આપણી આસપાસ એવા લોકો વસે છે જે કોઈ સ્ત્રીની બળાત્કારની ચીસો સાંભળી પોતાની યૌનઇચ્છાઓ સંતોષવા માંગે છે, એનું દૂ:ખમાં કણસતું શરીર અને અને નિ:સહાય આસુઓ દ્વારા પોતાનો થાક દૂર કરવા માંગે છે. આ હદની વિકૃતિ!!! આપણે હજારો વાર એક જ વાક્ય સાંભળ્યુ હશે કે સ્પ્રિંગ દબાવો એટલી ઉછળે, ભારતની આવી જાતિય વિકૃતિનું મૂળ પણ આવી જ એક સ્પ્રિંગ છે.

સેક્સ બાબતે કોઈ કોઇની સાથે વાત કરવા તૈયાર નથી પરંતુ એ ‘ટેબુ’ વિષય હોવા છતાં આપણે ૧૩૦ કરોડ છીએ.  સેક્સ વિષે વાત કરવામાં શરમ આવે પણ એક પછી એક બાળકોની લાઇન ખડકી દેવામાં શરમ નથી આવતી. જે દેશમાં નિયોગ પદ્ધતિ (પતિ સંતાન આપવા સક્ષમ ના હોય ત્યારે અન્ય પુરુષ દ્વારા સંતાન પ્રાપ્તિ) સમાજમાન્ય હતી, જ્યાં દ્રૌપદી ૫ પુરુષોની પત્ની હોવા છતાં ક્યારેય અસન્માનીય નથી ગણાઈ, આ ટેન્ક ટોપ તો હવે આવ્યા, ભારતમાં તો એ સમયે પણ સ્ત્રીઓ આરામથી કંચુકી (વક્ષ:સ્થળ ઢાંકી શકાય એવડું વસ્ત્ર) પહેરીને ફરતી, તો આવા સમાજમાથી  આપણે છોકરીઓએ શું પહેરવું અને શું ના પહેરવું એવા ફતવા બહાર પાડતો સમાજ કઈ રીતે થઈ ગયા?

મધુમિતા પાંડેએ ૨૦૧૩માં (૨૦૧૨ના બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપના અમુક મહિનાઓ બાદ) તેની થીસિસના વિષય હેઠળ તિહાર જેલમાં રેપના ગુન્હાના સજા કાપતા ૧૦૦ બળાત્કારીઓ સાથે વાત કરી હતી. તેમાં ઉડીને આંખે વળગે એવી એક વાત હતી કે બહુ ઓછા પુરુષો તેમાં ભણેલા હતા, બાકીના મોટા ભાગે અભણ અથવા ખૂબ ઓછું ભણેલા હતા, બીજી એક સ્ફોટક વાત કે અમુકને એ ખબર જ નહોતી કે એ જે કરી રહ્યા છે એને બળાત્કાર કહેવાય અથવા એ કરવું ગુનો છે, એમના મનમાં ‘કન્સેન્ટ’ (પરવાનગી) લેવાની હોય એવો કોઈ ખ્યાલ જ નહોતો. આ બધા વિધાનો પરથી એક જ વાત ફલિત થાય છે કે શિક્ષણ અને જાગૃતિ આ બંને વસ્તુઓની આપણે તાતી જરૂરિયાત છે. ફક્ત શારીરિક શિક્ષણ આપી દેવાથી કામ નહીં થાય, એ મુદ્દાની સંવેદના, પુરુષ બનવા તરફ પ્રયાણ કરી રહેલા દરેક છોકરાને એની જવાબદારી સુપેરે સમજાવવી, અને સૌથી અગત્યની વાત કે એમને “ના” પચાવતા શીખવવી, એ પછી એમનો પ્રેમ, લગ્ન કે સહશયનનો પ્રસ્તાવ જ કેમ ના હોય, પણ એ ના ની ગંભીરતા સમજી એને માન આપતા શીખવું ખૂબ જરૂરી છે. કોઈ દીકરીને સલાહ આપો કે ઘરની આબરૂ તારા હાથમાં છે એના કરતાં જો કોઈ દીકરાને સલાહ આપશો કે કોઈના ઘરની આબરૂ સાથે ક્યારેય ના રમતો, તો વધુ ફાયદો થશે.

હૈદરાબાદની એ ડોક્ટરનો એક જ વાક હતો, કે એ એક એવા દેશમાં જન્મી હતી જ્યાંની પોલીસ કોઈ સ્ત્રીના ગુમ થવાની ફરિયાદને પણ એમ કહીને ઠેલવી દે કે કોઈ સાથે ભાગી ગઈ હશે, અમારા એરિયામાં નથી આવતું કહીને જવાબદારીમાથી હાથ ખંખેરી નાખવામાં ના આવ્યા હોત તો કદાચ આજે એ ડોક્ટર જીવતી હોત, એવા રાજકારણી જે આરોપીઓને બદલે ક્રૂર રીતે મોતને ભેટેલી વ્યક્તિને સલાહ આપે કે ખોટી જગ્યા એ ફોન કર્યો, પોલીસને ફોન કર્યો હોત તો બચી જાત એવા વાહિયાત નિવેદનો આપે, એક એવો સમાજ જેના ગુસ્સાનું ઉત્કલનબિંદુ ખૂબ જ ઉપર છે અને એથી પણ વધુ ખરાબ એની યાદશક્તિ છે, આ બધા વાકની સજા એ ડોક્ટરે ભોગવી છે જેની આત્મા ન્યાય મેળવ્યા પહેલા કોઈ કાલે રેસ્ટ ઇન પીસ થાય એમ નથી.

ચારમાથી બે આરોપીઓની મતાઓએ નિવેદનો આપ્યા છે કે એમના પુત્રે જો આવું કઈ પણ કર્યું છે તો એને ફાંસીએ લટકાવી દેવો જ યોગ્ય છે, બ્રાવો, આવી માતાઓની આપણે જરૂર છે પરંતુ કાશ એમણે પોતાના ઉછેરમાં સ્ત્રી સન્માનણે પ્રાધાન્ય આપ્યું હોત તો વાત અહિયાં સુધી આવત જ નહીં.

રેલો પોતાના પગ સુધી આવે એની રાહ જોવી મૂર્ખમી છે.

-જાનકી રાવલ

Leave a comment