આત્મનિર્ભરતાનું અટ્ટહાસ્ય

download (1)
*લાલો જોવે લાભ*
**અહિયાં આત્મનિર્ભર ને મહાસત્તા જેવી ફાલતુ વાતો કરવાનું બંધ કરો**

ઓ સાહેબ,
ખોટી જગ્યા એ ખોટું ભાષણ આપીને ચાલતા થઈ જાઓ એમ થોડી હોય.

ભારતીય પ્રજામાં આત્મનિર્ભર થવાની આવડત કે દાનત કંઈ જ નથી, એટલે અહિયાં આવી વાતો કરો એ પોસાય જ નહિ, આમા તમારા ઉપર મિમ અને જોક જ બને.
અમારે ભ્રષ્ટાચાર ને ભરી ભરીને ભાંડવી હોય, નેતાઓ, મોટા ઉધોગપતિઓને ગાળો આપવી હોય, અધિકારીઓને માથે માછલાં ધોવા હોય, સરકારી બધી જ યોજનાઓમાં પાણીમાંથી પૂરાં કાઢવા હોય, બટ પરંતુ લેકિન કિન્તુ અમારે ટેક્સ ના ભરવો હોય, નોકરીએ લોકો રાખવા હોય પણ એમને ચોપડે ના બતાવવા હોય, સી.એ સાથે ગમે એમ માંથાજિક કરીને અમારે ખર્ચો વધુ અને આવક ઓછી જ દેખાડવી હોય, તમારી દયાથી ઘરે ઘરે ગેસની પાઇપલાઇન આવી બાકી અમારે તો બ્લેકમાં ગેસ સિલિન્ડર પણ લેવા હોય, ટ્રાફિક પોલીસ પરચી નો ફાડે અને વાહન ડીટેન ના કરે એટલે સામે ચાલીને જ ચા પાણીના પૈસા દઈ દેવા હોય, કોલેજમાં પૈસા દઈ અસાઈન્મેન્ટ્સ લખાવી હોય, ફાઈનલ યરના પ્રોજેક્ટ ચોરી લેવા હોય, સરકારી નોકરીઓમાં છેડા અડાડવા હોય, બિલ ઓછું આવે એટલે મીટરમાં ઘાલમેલ કરવી હોય, અમુકને તો છેડા જ પરબારા લઈ લેવા હોય, જે નાના વેપારીઓ કે શાક વાળાઓની દુહાઈ આપવામાં આવે છે એમને સંગ્રહખોરી કરીને પાંચ ગણા ભાવ પણ વસૂલવા હોય છે, અનામત ની જેને બિલકુલ જ જરૂર નથી એ લોકોને પણ કોઈપણ ભોગે નોન ક્રીમીલેયરનું સર્ટિફિકેટ કઢાવી એ પૈસાને પોતાના મૌજશોખ પાછળ ખર્ચવા હોય, ડોકટર અને એન્જીનીયર બનવા ચીન કે મલેશિયા જવું હોય ( ઓછા ટકા વાળાને ત્યાં સાચવી લે ને ), વિદેશનીતિ માં કંકોડો પણ ખબર ભલે ના પડતી હોય પણ સરકાર ખર્ચો કરે છે એવું બોલ્યે રાખવું હોય, વસ્તુની ખરી કિંમત કરતાં પાંચ ગણી વધુ રકમ ચૂકવી ગામ આખાની વિદેશી બ્રાન્ડને નફો કરાવવો હોય પણ ઇન્ડિયા વાળો કોઈ બ્રાન્ડ ઊભી કરીને વ્યાજબી ભાવે કમાતો હોય એટલે બોલવું હોય કે આ તો લૂંટે જ છે, મુકેશભાઈ નેટ ફ્રી આપે તો વ્હાલા લાગે, એના માટે તો લાઇનમાં ૫ કલાક ઉભા રહી શકાય પણ એ જ લાઈન કોઈ સરકારી કામ માટે હોય એટલે બાપડા લોકો બેભાન થવા માંડે, મેડિકલ ક્ષેત્રે મળતી બધી જ યોજનાઓનો લાભ જોઈએ છે પણ કોઈને સિવિલમાં નથી જવું, ભણતરને ભાર વગરનું બધાને કરી નાખવું છે પણ કોઈને સરકારી સ્કુલમાં નથી ભણવું, શાફૂરા જરગર જેવા વગર તળિયાના લોટાઓને લાઈમલાઈટમાં જ રાખવાં છે પણ મહુર પરવેઝ જેવી ખરાબ માનસિકતા ધરાવતી વ્યક્તિ હંદવાડાના સૈનિક શહીદોને ‘ વોર ક્રિમીનલ ‘ કહીને અપમાનિત કરે ત્યારે એકદમ ચૂપ રહેવાનું, કેમ કે અમારે તો પ્રોટેસ્ટ પણ સિલેક્ટિવ જ કરવી હોય, બોલીવુડની ફૌજ તો એના માટે જાણીતી જ છે, અને એટલી હદે અમારા ધંધાકીય રોટલા શેકવા હોય કે કોઈ આસિફા હિન્દુ મંદિરમાં મરેલી મળે તો જ બોલવાનું, કોઈ માઇનોરિટીનું લિંચિંગ થાય તો જ એના હકની વાત કરવાની બાકી તો બધું ભલે ચાલ્યા કરતું, ટૂંકમાં મેજોરીટી અને મોદીને ભાંડોને એટલે તમે ઇન્ટલેકચ્યુલ માં ખપો, અમે બસ એમ તણખલું પણ તોડ્યા વિના આવી પોથી પંચાત કરીએ એટલે અમારું ગાડું હાલે, અમારો એક જ ધ્યેય છે અમારે બસ અમારા હકની જ વાતો કરવી છે, ફરજ એકપણ નિભાવવી નથી,

અમારાથી સુકો અને ભીનો કચરો અલગ ના થઈ શકતો હોય તો અમે બીજું શું કરી દેવાના હતા!!

વિપક્ષ મજબૂત હોય ને તો જ સરકાર વ્યવસ્થિત કામ કરે, એટલે સરકારના કામોની મૂલવણી થવી જ જોઈએ, પણ મૂલવણી એને કહેવાય જે લોજીકલ હોય, અહિયાં તો બસ લોકોને એક વ્યક્તિ નથી ગમતો એટલે દુનિયાનો જે કંઈ પણ થયા છે એ બધો વાંક એનો, આ તો એવું કે ઘરમાં ડખો થાય ને તો પણ સરકારનો જ વાંક કાઢવાનો…

એટલે અહિયાં તમે આગળની સરકારોની જેમ ઘર ભરવાનું ચાલુ કરો, સ્કેમ કરવા માંડો, અહિયાં આત્મનિર્ભર ને મહાસત્તા જેવી ફાલતુ વાતો કરવાનું બંધ કરો, અમે એના લાયક પરજા નથી.
– *જાનકી રાવલ*

Leave a comment