ડ્રેગન વર્સિસ ટાઇગર

આપણે લાખ દેશપ્રેમી હોઈએ આજ ને આજ જઈને ફોન કે લેપટોપ કે એવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બદલી શકવાના છીએ!!

મસૂદ અઝહર સામે ચાઇના દર વખતે વિટો વાપરે છે, બ્રહ્મપુત્રા નું પાણી રોકી દે, યુનાઈટેડ નેશન્સની ના સિક્યોરિટી કાઉન્સિલ માટે આપણી દાવેદારી સામે વાંધો ઉઠાવે, આ બધું આપણા માટે અગત્યનું છે.

ભારતીય પ્રજાનો એકમાત્ર વાંધો એ છે કે આપણે સ્વભાવે અત્યંત લાગણીશીલ પ્રજા છીએ. પ્રત્યાઘાત આપવામાં આપણે ખૂબ ઝડપી છીએ. હોવું પણ જોઈએ, નેશન ફર્સ્ટ અને સામાજિક મુદ્દાઓ પર દરેક નાગરિકે બોલવું એ એનો અધિકાર છે પણ જેવી સિંહગર્જના આપણે કરીએ છીએ એટલું સામે મગજથી કામ લેવામાં નિષ્ફળ ઠરીયે છીએ. જે પ્રકારે બધી શક્યતાઓ તપસ્યા વિના આપણે ડિપ્રેશન અને નેપોટીઝમ ને ગજવી માર્યું હતું એવી જ રીતે આપણે અત્યારે બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ ગજવી રહ્યા છીએ.

ભારત અને ચાઇના વચ્ચે ૧૦૦ બિલિયન ડોલર નો વેપાર થાય છે. જે અમુક દેશોના જી.ડી.પી કરતા પણ મોટો આંકડો છે. એ ૧૦૦ બિલિયનમાંથી ૬૫% હિસ્સો ચાઈનાનો છે અને બાકી ભારતનો હિસ્સો છે. આપણે બોયકોટ કરીએ એટલે ટેકનિકલી ચાઈનાને કોઈ જ ફરક ન પડે, કેમ કે આપણી ચાઇના પાસેથી આયાત, નિકાસ કરતા ખાસ્સી વધારે છે. આમાં નાના મોટા વેપારીઓ જે ટ્રેડિંગ નું કામ કરે છે એમની કમર તૂટી જાય. એ વેપારીઓ એ ભાવે ક્યારેય ભારતમાં ઉત્પાદન ના કરી શકે એટલે જેવી પડતર કિંમત વધે એટલે સામે વેંચાણ કિંમત આપમેળે વધી જવાની છે. ભારતમાં જ્યાં હજી ૨૩% લોકો પોવર્ટી લાઈનની નીચે આવતા હોય ત્યાં આવા ભાવ પોસાય કે કેમ એ વિચારવું જ પડે. જો ખરીદી જ ના થાય તો વેપારીઓને પણ ખેડૂતોની જેમ આપઘાત કરવાનો વારો આવે.

દર ૬ મહિને જે નવા નવા સ્ટાઇલિશ પર્સ મહિલાઓ બદલી કાઢે છે એ બધા ચાયનાથી આવે છે. ઓછી જગ્યા રોકતું અને ટકાઉ ફર્નિચર ચાઇનાથી આવે છે. જે ફોનના કેમેરાનો સદઉપયોગ કરીને આપણા યુવાનો ટિકટોક પર મુજરા કરે છે એ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી ઉપર ચાઇનાનો પૂરો કબ્જો છે. લાઇફસ્ટાઇલ ને ઇઝી કરતી પ્રત્યેક આઇટમ જે સમય અને મહેનત બચાવે છે જેમ કે પિલર, ક્રશર, અવનવાં મશીનો જે દરેક ક્ષેત્રમાં વપરાય છે એ બધું જ ચાઇનાની દેન છે. આપના બાથરૂમથી માંડીને કિચન સુધી વાપરતી વસ્તુઓનું લિસ્ટ બનાવો એટલે ૬૦% પ્રોડક્ટ ચાઇનાની છે.

એક કામ કરીએ, પહેલા પોતપોતાના હાથમાં રહેલા ફોન અને લેપટોપની બ્રાન્ડ ચેક કરી લો. ૬૦-૭૦% લોકો પાસે ચાઈનીઝ કંપનીની બનાવટ જ છે. આપણે લાખ દેશપ્રેમી હોઈએ આજ ને આજ જઈને ફોન કે લેપટોપ કે એવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બદલી શકવાના છીએ!! કોઈ પણ સામાન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિ લગભગ ૩ વર્ષ તો એકનો એક ફોન ચલાવે જ, એ હિસાબથી એવી અઢળક આઇટમો જે ચાઇના મેડ વાપરીએ છીએ એ બગડે નહિ ત્યાં સુધી તો વાપરવાના જ છીએ. તો આપણે દેશપ્રેમી તરીકે શું કરી શકીએ!! એક સાદો નિયમ લઈ શકીએ કે હવે પછી જે કોઈ નવી વસ્તુ ખરીદીએ તો એની કંપની વિશે જાણકારી મેળવી લઈએ, કપડાં, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, એપ્સ, વાહનો, એવું બધું આપણે ભારતીય બનાવટનું હોય એવું પસંદ કરી શકીએ. આપણી લિમિટ અહીંયા પૂરી થાય છે. હવે આવે છે પ્રો લેવલના દેશપ્રેમી લોકો જે ખરેખર બદલાવ ઈચ્છે છે અને વિશ્વાસ ધરાવે છે કે આપણે આત્મનિર્ભર થઈ શકીએ છીએ. એવા લોકોએ ચાઈનાથી આયાત થતી વસ્તુઓ એ જ ભાવ અને એ જ કવોલિટીમાં ભારતમાં કઈ રીતે બની શકે એના પર ફોકસ કરી પોતે જ એનું ઉત્પાદન શરૂ કરવું જોઈએ. જેના માટે સૌથી મોટુ વિઘ્ન ભારતીય માબાપની માનસિકતા આવશે. આપણે નોકરીમાં માનતો વર્ગ છીએ. એક ચોક્કસ કમાણી મૂકી કોઈ નવીન વસ્તુ કે આવિષ્કાર કે પ્રયોગ કરવા માટે પહેલા તો ઘરે બધાને સમજાવવા જ અઘરા થઈ પડે. ઘર પાર કરો એટલે અગણિત પ્રક્રિયા ધરાવતી સરકારી પરમિશન આવે, જેમાં કાગળિયા ભેગા કરતાં કરતાં જ મોઢે ફીણ આવી જાય, યેનકેન પ્રકારે એ પાર કરો એટલે સસ્તું રો મટીરીયલ અને મજૂરો મળવા માથાના દુખાવા સમાન હોય, આ બધું પાર કરી કઈ લો ત્યારે વેંચવા સમયે બ્રાન્ડના શોખીન લોકોને તમારી પ્રોડક્ટ પર ભરોસો આવે એની સંપૂર્ણ તૈયારી કરી રાખવી પડે. હા, રસ્તો અત્યંત મુશ્કેલી ભર્યો છે પણ અશક્ય નથી. જેમને માથે ઘરનું પૂરું કરવાની કોઈ જ પ્રકારની જવાબદારી ના હોય એવા વિરો આવું ચોક્કસ કરી શકે છે. મોરલ ડાઉન કરવાની વાત નથી પરંતુ ભારતમાં આવા ભેજા પડ્યા હોવા છતાં આપણને આત્મનિર્ભર થવા માટે એક લાંબી હર્ડલ રેસનો સામનો કરવો પડે એમ છે એ હકીકત છે.

છેલ્લી વાત કે ચાઇના સરહદે હેરાનગતિ કરે છે કે પાકિસ્તાનને સપોર્ટ કરે છે ફક્ત એટલા માટે આપણે એની પ્રોડક્ટ્સ બોયકોટ ના કરી શકીએ. એ હિસાબથી તો આપણે પણ વિયેતનામ અને કમ્બોડિયા જેવા દેશોની પડખે ઉભા છીએ જે ચાઇના માટે સારી વાત નથી. મસૂદ અઝહર સામે ચાઇના દર વખતે વિટો વાપરે છે, બ્રહ્મપુત્રા નું પાણી રોકી દે, યુનાઈટેડ નેશન્સની ના સિક્યોરિટી કાઉન્સિલ માટે આપણી દાવેદારી સામે વાંધો ઉઠાવે, આ બધું આપણા માટે અગત્યનું છે. ભારત અને ચાઇના બ્રિક્સ, એશિયન ડેવલપમેન્ટ બેંક અને યુ.એન જેવી સંસ્થાઓમાં સાથે કામ કરે છે એટલે ચાઇના ફક્ત ટ્રેડિંગ પાર્ટનર નહીં પણ આંતરરષ્ટ્રીય સબંધો માટે પણ મહત્વનું છે. એ આપણા માટે એક એવા જરૂરી દૂષણ સમાન દેશ છે જેના ડ્રેગનને રાતોરાત વશમાં લેવો શક્ય નથી.

સરકાર દ્વારા ઉત્પાદનને પ્રોત્સાહન, લોકોમાં નવા ઉત્પાદનો કરવાની ધગશ અને ભારતીય ખરીદદારો માં બ્રાન્ડ મૂકીને સ્વદેશી અપનાવવાની ત્રેવડ આ બધાનો સમન્વય થાય અને એકધારી સ્પીડ પર કામ કરવામાં આવે તો એક દશકના સમયગાળા પછી આપણે સંપૂર્ણપણે ચાઇનાને બોયકોટ કરવા સમર્થ બની શકીએ.

છમ્મવડું – સસ્તું મેળવવી વૃત્તિ જ્યાં સુધી નહિ જાય ત્યાં સુધી આપણા ઘરમાંથી ચાઈના નહિ જાય.

  • જાનકી રાવલ

Leave a comment